Saturday, June 20, 2015

મુંબઇમાં મૂશળધાર વરસાદ ઃ જનજીવન ઠપ, બેનાં મોત

મુંબઇમાં મૂશળધાર વરસાદ ઃ જનજીવન ઠપ, બેનાં મોત
મુંબઇમાં આજે મૂશળધાર વરસાદ ખાબકતા મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકાર સર્જાયો હતો અને જનજીવન ઠપ થઇ ગયું હતું. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા રેલ સેવા ખોરવાઇ હતી અને હજારો પ્રવાસીઓ રખડી પડયા હતા. સ્થાનિક અહેવાલ મુજબ મુંબઇમાં આજે ૨૪ કલાકમાં ૧૧ ઇંચ વરસાદ ખાબકતા લોકોના રોજીંદા જીવનમાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. શાળા-કોલેજો બંધ રાખવાની ફરજ પડી હતી. વરસાદને કારણે ઇલેક્ટ્રિક શોક લાગતા બે વ્યક્તિનાં મોત થયા હતા. મુંબઇ વેધશાળાએ આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહી કરી છે. મુંબઈ થાણે સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા ગઈકાલ મોડીરાતથી મન મૂકીને ધોધમાર વરસ્યા હતા. આ મૂશળધાર વરસાદને પગલે શહેર જળબંબાકાર બની જતાં મુંબઈગરાનું જનજીવન ખોરવાઈ ગયું હતું. મુંબઈની લાઈફ લાઈન ગણાતી ઉપનગરીય ત્રણેય સેવા ઠપ થઈ હતી. શહેરમાં ૨૪ કલાક દરમિયાન ૨૮૪ મિ.મિ. સવા અગિયાર ઈંચ વરસાદ વરસ્યો હતો. આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કોલાબા વેધશાળાએ કરી છે. મુંબઈ યુનિવર્સિટીએ તેની પરીક્ષાઓ મોકૂફ રાખી છે. શાળાઓમાં રજા રાખવાનો પાલિકા કમિશનરે આદેશ આપ્યો છે. આવતીકાલે દરિયામાં મોડી રાતે બે વાગ્યે અને બપોરે ૩.૧૦ વાગ્યે ભરતી છે. આ સિવાય મીઠી નદી ખતરાની સપાટીથી નજીક વહેતી હોવાથી જોખમની ઘંટડી વાગી છે. આથી ૨૬ જુલાઈ ૨૦૦૫ જેવી વિનાશક પૂર આવે એવી શક્યતા છે. પ્રથમ વરસાદમાં વીજળીના આંચકો લાગતાં બે જણ મૃત્યુ પામ્યા હતા. ગઈકાલ રાતથી વરસતા વરસાદને લીધે શહેરમાં ઠેકઠેકાણે ઘૂંટણથી કમરસુધી પાણી ભરાતાં લોકોને ભારે તકલીફ સહન કરવી પડી હતી. ઘર પડવાની દિવાલ તૂટી પડવાની, વૃક્ષ પડવાની તેમજ શોર્ટ સર્કિટથી દુર્ઘટના બની હતી. બેસ્ટની બસ ખોડંગઈ હતી. ઠેકઠેકાણે પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો. આવશ્યકર ન હોય તો ઘરની બહાર ન નીકળવાની નાગરિકોને કમિશનરે અપીલ કરી હતી. જોકે એક જ દિવસમાં ભારે વરસાદને લીધે શહેરમાં પાણી ભરાતાં નાળા સફાઈ અંગેનો પાલિકાનો પોકળ દાવો સાબિત થયો હતો. બેસ્ટની બસ સેવા દાદર અને કુર્લા વિસ્તારમાં વધારે દોડાવવામાં આવી હતી. જોકે ૨૧૨ બસોને અન્ય માર્ગે વાળીને દોડાવી હતી. વિમાન સેવા ૪૫ મિનિટ વિલંબથી ઊડતી હતી. ત્રણ વિમાનસેવાને વાળવામાં આવી હતી. ભારે વરસાદને લીધે આજે શાળા અને કોલેજ બંધ રહી હતી. ટિફિન સેવા આપતા ડબાવાળાએ બંધ પાળ્યો હતો. શહેરમાં નીચાણવાળાના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લગભગ ૧૬૫ પાણી ખેંચવાના પમ્પ શરૃ કરાયા હતા. હિંદમાતા, ચેમ્બૂર, ઘાટકોપર, મલાડ, અંધેરી, દાદર, ફૂલમાર્કેટમાં સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વડી અદાલત સહિત તમામ અદાલતની કચેરી બંધ રાખવામાં આવી હતી. ખાસ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતાં ઝૂંપડપટ્ટી ચાલીઓમાં પાણી ઘૂંટણ સમા પાણી ભરાતાં લોકોએ રાતભર ઊજાગરો કરવો પડયો હતો. શહેરમાં ઠેરઠેર વીજળીના સબસ્ટેશનમાં પાણી ભરાતાં સાવચેતીનાં પગલાં તરીકે વીજળી પુરવઠો ખંડિત કરાયો હતો. ખાસ કરીને કુર્લા, કોલાબામાં ગીતાનગર કફ પરેડ સહિત અનેક વિસ્તારમાં બેસ્ટ ઉપક્રમે વીજળી પુરવઠો ખંડિત કર્યો હતો. ભારે વરસાદને લીધે શહેરના રસ્તાઓનું ધોવાણ થતાં આશરે ૫૦૦ કરતાં વધારે રસ્તા પર ખાડા પડયા હતા. જળાશયોમાં પાણીની નોંધનીય આવક થઈ હતી. શહેરમાં આજે ૭૧ વૃક્ષ મૂળથી ઉપડીને ધરાશાયી થયા હતા. એમાં તળમુંબઈમાં ૨૦, પશ્ચિમ ઉપનગરમાં ૩૩, પૂર્વ ઉપનગરમાં ૧૮ વૃક્ષોનો સમાવેશ થાય છે. શહેરમાં દિવાલ અને ઘર પડવાના ૧૨ બનાવ બન્યા હતા. એમાં તળમુંબઈમાં ૪, પૂર્વ ઉપનગરમાં ૪ અને પશ્ચિમ ઉપનગરમાં ૪નો સમાવેશ થાય છે. એમાં એક જણ જખ્મી થયો હતો. જ્યારે શોર્ટ સર્કિટના ૨૨ બનાવ બન્યા હતા. એમાં તળમુંબઈમાં આઠ, પૂર્વ ઉપનગરમાં પાંચ, પશ્ચિમ ઉપનગરમાં નવનો સમાવેશ થાય છે.

No comments: