લલિત મોદી-વ્યાપમ' કૌભાંડ મુદ્દે રાજ્યસભામાં હંગામો
સંસદના ચોમાસુ સત્રનો આજે પહેલો દિવસ ધારણા મુજબ તોફાની બની રહ્યો હતો. વિપક્ષ કોંગ્રેસે 'લલિતગેટ'માં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેના તેમ જ વ્યાપમ કૌભાંડ મામલે મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણના રાજીનામાની માગ કરતા ચોમાસુ સત્રના પ્રારંભિક દિવસે રાજ્યસભામાં કોઇ મહત્ત્વની કામગીરી થઇ શકી નહોતી. બીજી તરફ લોકસભામાં ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહના સાંસદ દિલીપસિંહ ભુરિયા તેમ જ તાજેતરના ભૂતકાળમાં મૃત્યુ પામેલા ૧૩ પૂર્વ સાંસદોને અંજલી અર્પણ કરાયા બાદ ગૃહ કોઇ કાર્યવાહી વિના મોકૂફ રખાયું હતું. દિલીપસિંહનું ગત ૨૪ જૂને નિધન થયું હતું. વિપક્ષી સાંસદો દ્વારા ગૃહના મધ્યભાગમાં ધસી આવવા સહિતના હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પાંચ વખત મુલતવી રહ્યા બાદ છેવટે ગૃહ પૂરા દિવસ માટે મોકૂફ રખાયું હતું. સરકારે લલિત મોદી પ્રકરણમાં ચર્ચાની તૈયારી બતાવી હતી પરંતુ વિપક્ષનો એવો આગ્રહ હતો કે સુષમા-વસુંધરાના રાજીનામા બાદ જ ચર્ચા થઇ શકે તેમ છે. શાબ્દિક ટપાટપી અને ગૃહના મધ્યભામાં કોંગ્રેસી સાંસદોના સૂત્રોચ્ચારો વચ્ચે ભાજપે આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ ચર્ચાથી દૂર ભાગી રહ્યો છે. ગૃહની કાર્યવાહી શરૃ થતાં જ કોંગ્રેસના આનંદ શર્માએ 'લલિતગેટ'નો મુદ્દો ઉઠાવ્યો હતો અને આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જવાબ માગ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસના સાંસદો ગૃહના મધ્યભાગમાં ધસી ગયા હતા, જેમની સાથે સીપીએમ અને સપાનાં સાંસદો પણ જોડાયા હતા. ભારે શોરબકોર વચ્ચે નાણાપ્રધાન અરુણ જેટલીએ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (એમેન્ડમેન્ટ) બિલ પાછું ખેંચ્યું હતું. જેટલીએ અને સંસદીય બાબતોના રાજ્યકક્ષાના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું કે અમે લલિત મોદી પ્રકરણમાં ચર્ચા માટે તૈયાર છીએ. જોકે, ગૃહના ઉપાધ્યક્ષ પી. જે. કુરિયને જણાવ્યું કે સરકાર ચર્ચા માટે તૈયાર હોવા માત્રથી ચર્ચાની મંજૂરી મળે તે આવશ્યક નથી. અન્ય સભ્યોને સાંભળ્યા બાદ આ અંગે નિર્ણય લેવાશે. ત્યાર બાદ સીતારામ યેચુરીએ કહ્યું હતું કે કેન્દ્રીય પ્રધાનો અને રાજ્યોના મુખ્યપ્રધાનો સામે ગંભીર આક્ષેપો થયા છે, જે અંગે ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તપાસ થવી જોઇએ અને જેમની સામે આક્ષેપો થયા છે તે પ્રધાનો-મુખ્યપ્રધાનોએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી હોદ્દા છોડવા જોઇએ. યુપીએના શાસનમાં જેટલી ગૃહમાં વિપક્ષના નેતા હતા ત્યારે આવા જ કેસોને લઇને એક આખું સત્ર ધોવાઇ ગયું હતું. તે વખતે તેમનું એમ કહેવું હતું કે ગૃહમાં ચર્ચા જેમની સામે આક્ષેપો થયા છે તેમની નિષ્પક્ષતાનો વિકલ્પ નથી. તેથી તે લોકોએ હોદ્દા છોડવા જોઇએ. હવે જ્યારે ભાજપ સત્તામાં છે ત્યારે તે આ માપદંડ અપનાવતો નથી. સપાના નરેશ અગ્રવાલે પણ આ જ વાત દોહરાવી હતી જ્યારે કોંગ્રેસના પ્રમોદ તિવારીનું કહેવું હતું કે 'લલિતગેટ' મામલે જેમની સામે આક્ષેપો થયા છે તે બધાએ રાજીનામા આપવા જોઇએ. તેમ નહીં થાય તો તપાસ પર અસર થઇ શકે છે. તેમને સાંભળ્યા બાદ કુરિયને કહ્યું કે તેઓ ચર્ચા માટે મંજૂરી આપવા તૈયાર છે. આ તબક્કે જેટલીએ કહ્યું કે કોંગ્રેસને ચર્ચામાં નહીં પણ ગૃહની કાર્યવાહી ખોરવવામાં રસ છે. તેથી તમે ચર્ચાની તત્કાળ મંજૂરી આપો. આ સાથે જ કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવી સુષમા-વસુંધરાના રાજીનામાની માગ દોહરાવી હતી. બીજી તરફ કુરિયને આનંદ શર્મા અને નરેશ અગ્રવાલને ચર્ચા માટેનો પ્રસ્તાવ રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ કોંગ્રેસના સભ્યોએ ગૃહના મધ્યભાગમાં ધસી જઇને સુષમા-વસુંધરાના તત્કાળ રાજીનામાની માગ સાથે સૂત્રો પોકાર્યા હતા. કુરિયને ભારે શોરબકોર વચ્ચે બપોરે ત્રણ વાગ્યા સુધી ગૃહ મુલતવી રાખ્યું હતું.
Pl see my blogs;
Feel free -- and I request you -- to forward this newsletter to your lists and friends!
No comments:
Post a Comment