Friday, June 26, 2015

રાજસ્થાનના CM વસુંધરા કસૂરવાર છતાં રાજીનામાનો નનૈયો !!

રાજસ્થાનના CM વસુંધરા કસૂરવાર છતાં રાજીનામાનો નનૈયો !!
રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજે ઓગસ્ટ, ૨૦૧૧માં વિધાનસભાના વિપક્ષી નેતા હતા ત્યારે તેમણે લલિત મોદીની બ્રિટનના વિઝા માટેની ઇમિગ્રેશન અરજીના સમર્થનમાં વિટનેસ સ્ટેટમેન્ટ આપીને તેને મદદ કરી હોવાનું ભાજપ હાઇ કમાન્ડ સમક્ષ સ્વીકાર્યું હોવાના અહેવાલ છે. સાથે સાથે વસુંધરાએ હાઇ કમાન્ડ સમક્ષ એમ પણ સ્પષ્ટ કર્યું હોવાનું મનાય છે કે તેઓ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું નહીં આપે. સૂત્રોના કહેવા મુજબ ભાજપ પણ વસુંધરાનું રાજીનામું માગશે નહીં. ઉલટાનું તેમના સમર્થનમાં પક્ષ એમ કહી શકે છે કે વસુંધરાએ લલિતની ઇમિગ્રેશન અરજીના સમર્થનમાં આપેલું વિટનેસ સ્ટેટમેન્ટ તેમણે કરેલી વ્યક્તિગત મદદ હતી, જેને રાજસ્થાન વિધાનસભાના વિપક્ષી નેતા તરીકેના તેમના તત્કાલીન હોદ્દા સાથે કોઇ લેવાદેવા નહોતી. નોંધનીય છે કે વસુંધરા પોતે લલિતની ઇમિગ્રેશન અરજી માટે વિટનેસ સ્ટેટમેન્ટ આપ્યું હોવાનું અત્યાર સુધી નકારતા હતા પરંતુ ગઇ કાલે કોંગ્રેસે તેમની સહી સાથેના ડોક્યુમેન્ટ રજૂ કર્યા બાદ વસુંધરાએ ફેરવી તોળ્યું છે. કોંગ્રેસના નેતા જયરામ રમેશે ડોક્યુમેન્ટ રજૂ કરતા કહ્યું હતું કે, 'ભાજપ અત્યાર સુધી એમ કહેતો હતો કે વસુંધરાની સહી સાથેના ડોક્યુમેન્ટ બહાર આવે તો તેઓ દોષિત ગણાય. હવે વસુંધરા બેનકાબ થઇ ચૂક્યા છે. એક ભાગેડુ અપરાધીને મદદ કરીને તેમણે આઇપીસી, પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ, પીએમએલએ અને પાસપોર્ટ એક્ટ એમ કુલ ચાર કાયદાનો ભંગ કર્યો છે. પૂર્વ મુખ્યપ્રધાને કે વિપક્ષના નેતાએ ભાગેડુ અપરાધીને મદદ કરી હોય તેવું સ્વતંત્ર ભારતમાં અગાઉ ક્યારેય બન્યું નથી.' વસુંધરાએ હાઇ કમાન્ડને એમ કહ્યું હોવાનું મનાય છે કે બહુમતી ધારાસભ્યો તેમના સમર્થનમાં છે અને મુખ્યપ્રધાન તરીકે તેમને વિધાનસભા પક્ષે ચૂંટયા છે ત્યારે રાજીનામાનો સવાલ જ ઊભો થતો નથી અને પક્ષ તેમને મુખ્યપ્રધાનપદ છોડવા જણાવાશે તો પક્ષ માટે તે મુશ્કેલ સમય હશે. વસુંધરાના જણાવ્યાનુસાર તેમને નિશાન બનાવાઇ રહ્યા છે. લલિત તેમને ફસાવી રહ્યો છે અને સુષમા સ્વરાજને બચાવવામાં આવી રહ્યા છે.

No comments: